તહેવારોની સિઝન આવતાં જ ભેળસેળીયા વેપારીઓ બેફામ બન્યા છે. ત્યારે દિવાળીના તહેવારને લઈ બનાસકાંઠામાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું.
બનાસકાંઠાઃ તહેવારોની સિઝન આવતાં જ ભેળસેળીયા વેપારીઓ બેફામ બન્યા છે. ત્યારે દિવાળીના તહેવારને લઈ બનાસકાંઠામાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે. ત્યારે હાલ તમામ મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.
ફૂડ વિભાગે ડીસા અને પાલનપુરમાં રેડ કરી ખાદ્ય પદાર્થોનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે. પાલનપુરની ખંડેલવાલ ડેરી પ્રોડક્ટ્સ અને ડીસાની પદ્મનાથ ફૂડ પ્રોડક્ટ્સ પેઢી સામે કાર્યવાહી હાથ ધરી છે. તેમાંથી મીઠાઈ અને ઘી સહિત કુલ 9.29 લાખ રૂપિયાનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 567 લીટર શંકાસ્પદ ઘી અને 3,849 કિલો મીઠાઈનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. હાલ તમામ શંકાસ્પદ જથ્થાના સેમ્પલ લઈને તેને ટેસ્ટ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે.
તો બીજી તરફ, ખેડા જિલ્લામાં પણ ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગ ફરી એકવાર ઊંઘતું ઝડપાયું છે. મહેમદાવાદના વરસોલા GIDCમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘી ઝડપાયું છે. પામોલિન તેલમાં કેમિકલનું મિશ્રણ કરી ઘી બનાવતા હોવાની પોલીસને બાતમી મળી હતી. ત્યારે આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસે બાતમીના આધારે કંપનીમાં દરોડો પાડીને વધુ તપાસ હાથ ધરી હતી. બાલાજી ગાયનું ઘી નામથી કંપની બનાવવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર કંપનીમાં જથ્થાને સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.