સૌથી નાની ઉમરે શહીદીને વરેલો ખુદીરામ બોઝ

ભારત માતાની આઝાદી માટે રણે ચડેલા વિપ્લવીઓમાં સૌથી નાની ઉમરના હતાં ખુદીરામ બોઝ. આ ફોટો જોઇને કોઇ પણ દેશભક્તની છાતી ફુલી જાય. પશ્ચિમ બંગાળના મીદનાપુર જીલ્લાના બહવૈની ગામનો આ છોકરો આખા બંગાળનો હીરો બનીગયો હતો. સ્કુલમાં ભણતા ભણતા જ આઝાદીની લડતમાં જોડાઇ જવાની સરફરોશી તમન્ના. ૧૯૦૬ ની સાલમાં મીદનાપુરમાં એક ઔદ્યોગીક અને કૃષિને લગતું પ્રદર્શન ભરાયું હતું, સેકડો લોકો આ પ્રદર્શન જોવા આવ્યા હતાં. આઝાદીની લડત વિષે લોકો સુધી સંદેશો પહોંચે તે હેતુથી,
સત્યેન્દ્ર નાથ બોઝ દ્વારા લેખિત ” સોનાર બાંગલા ” નામની પત્રિકા વ્હેંચવાનું કામ ખુદીરામને સોંપવામાં આવ્યું હતું. એક પોલીસે તેમને પકડવાની કોશિષ કરી તો તેના નાક પર મુક્કો મારી અને ભાગી છુટવામાં સફળ રહ્યાં.
૬-ડીસેમ્બર-૧૯૦૭ ના રોજ નારાયણગઢ સ્ટેશન પર બંગાળના ગવર્નરની સ્પેશ્યલ ટ્રેઇન પર બોમ્બ ફેંક્યો. પણ કમનસીબે ગવર્નર બચી ગયો. ૧૯૦૮ માં બે અંગ્રેજ અધિકારીઓ પર બોમ્બ ફેકવાનું સાહસ કર્યું તેઓ પણ દુર્ભાગ્યે બચી ગયા. આ બન્ને કેશમાં ખુદીરામ બોઝને એરેસ્ટ કરવામાં આવ્યા પણ પુરાવાના અભાવે બચીગયા.
લોર્ડ-કર્જને બંગાળના ભાગલા પાડવાનો નિર્ણય લીધો તેનો વિરોધ પ્રદર્શન કરવા વાળા ઉપર કલકત્તાના મેજીસ્ટ્રેટ કિંગ્સફોર્ડે બહુજ ખરાબ રીતે દમન કરવાની ભૂમિકા ભજવી હતી. ક્રાન્તિકારી ગતિવીધીઓથી ડરી જઇને અંગ્રેજોએ તેની બદલી મુઝ્ઝફર નગર કરી નાખી.
” યુગાન્તર ” નામના ક્રાન્તિકારી ગ્રુપે કિંગ્સફોર્ડની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીને આ કામ સોંપવામાં આવ્યું. ( પ્રફુલ્લ ચાકી બિહારના બોગરા જીલ્લાનો ૨૦ વર્ષનો વિપ્લવી યુવાન હતો, જે પ્રદેશ આજે બાંગ્લાદેશમાં છે
બોમ્બ અને પિસ્તોલ લઇ આ નરબંકાઓ નિકળી પડ્યા મુઝ્ઝફર નગર. બે દિવસ કિંગ્સફોર્ડની હિલચાલ પર નજર રાખી. રાત્રે તે રોજ ક્લબથી પોતાના બંગલે, બે ઘોડાવાળી બગ્ગીમાં બેસીને આવતો. ૩૦ એપ્રિલ-૧૯૦૮ ની રાત્રે તેના બંગલા પાસે બગ્ગી પર બોમ્બ ફેંક્યો. ફરી એજ કમનસીબી, કિંગ્સફોર્ડે તે દિવસે તેની કોઇ ઓળખીતી બે અંગ્રેજ મહિલાઓને તે બગ્ગીમાં બંગલા પર મોકલી હતી. તે બન્ને નું મૃત્યુ થયું. કિંગ્સ ફોર્ડ પાછળથી આવ્યો અને બચી ગયો.
પણ આ બોમ્બના અવાજનો પડઘો છેક ઇંગ્લેન્ડ સુધી પડ્યો. થોડા દિવસો પછી કિંગ્સફોર્ડ બીકનો માર્યો ભયથી જ મૃત્યુ પામ્યો ( હાર્ટ-એટેક ) પોલીસ આ બન્ને ક્રાન્તિકારીઓને પકડવા પાછળ પડી, જેમાં ખુદીરામ પકડાઇ ગયા અને પ્રફુલ્લ ચાકીએ પોતાને ગોળી મારી શહીદી વ્હોરી લીધી.
૧૧-ઓગષ્ટ- ૧૯૦૮ ના રોજ અંગ્રેજ સરકારે ખુદીરામને મુઝ્ઝફર નગરમાં ફાંસીએ લટકાવી દીધા. જ્યારે ફાંસીએ લટકાવવામાં આવ્યા ત્યારે ખુશી ખુશી ગીતાનો પાઠ કરતા કરતા ફાંસીએ ચડ્યા.

ખુદીરામની શહિદીના માનમાં દિવસો સુધી કલક્તામાં સ્કુલ કોલેજો બંધ રહી. આજ કાલ જેમ ” મૈ અન્ના હજારે ” – ” મૈ આમ આદમી ” લખેલી ટોપીઓ પહેરીને લોકો જાગૃત નાગરીક હોવાનો ગર્વ લે છે તેમ, તે વખતે બંગાળના યુવાન દેશ-ભક્તો ” ખુદીરામ ” લખેલી ધોતી પહેરતા.